December 4, 2024

ડાકોરમાં નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ લૂટવાની અનોખી પરંપરા

યોગીન દરજી, ખેડા: સામાન્ય રીતે મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે અને ત્યારબાદ અન્નકૂટની વહેંચણી થતી હોય છે. પરંતુ યાત્રાધામ ડાકોરમાં નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટને લૂંટવાની પરંપરા છે. આ માટે ડાકોર મંદિરના સંચાલકો પરંપરાગત રીતે આસપાસના ગ્રામજનોને પત્ર લખી અન્નફૂટ લૂંટવા માટે આવવાનું આમંત્રણ આપે છે.

ડાકોરમાં રણછોડરાય મંદિર ખાતે કાળિયા ઠાકોર સમક્ષ 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. બરોબર બપોરના સમયે પણ અન્નકૂટની કપૂર આરતી શરૂ થઈ.

જેની સાથે મંદિરના દ્વાર ખૂલતાં ની સાથે જ આસપાસના 80 ગામોમાંથી આમંત્રણને માન આપી આવેલા લોકો જાણે કે અન્નકૂટ પર તૂટી પડ્યા. ફક્ત પાંચ મિનિટમાં જ 151 મણ અન્નકૂટની લૂંટ થઈ ગઈ અને અન્નકૂટનો એક એક દાણો ભક્તો પોતાના ઘરે લઈ ગયા.