November 10, 2024

અમરેલીમાં ચાંદીપુરા સામે સતર્કતા, શાંતાબા જનરલ હોસ્પિટલમાં કરાઇ ખાસ વ્યવસ્થા

દશરથસિંહ રાઠોડ, અમરેલી: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી ગઈ છે. આ વાયરસને લઈને થઈ રહેલા મૃત્યુને લઈને પણ આરોગ્ય વિભાગ ચિંતિત છે. ત્યારે, રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત, અમરેલી જનરલ હોસ્પિટલ ખાતે આ વાયરસને લઈને સ્પેશિયલ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસને લઈને સ્પેશિયલ વોડૅ તૈયાર કરવામાં આવ્યો છે. ચાંદીપુરા વાયરસને લઈને બાળકો માટે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ચાંદીપુરા વાયરસને પહોંચી વળવા માટે શાંતાબા મેડિકલ સેન્ટર ખાતે 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમરેલીની શાંતાબા મેડિકલ સેન્ટર ખાતે ઊભી કરવામાં આવેલ વ્યવસ્થાને લઈને શાંતાબા મેડિકલ સેન્ટરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. યોગેશ દવે દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે શાંતાબા હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસને લઈને સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે તો સાથે સાથે ICUમાં 15 બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો, અન્ય 10 બેડ પણ મૂકવામાં આવ્યા છે. આમ શાંતાબા હોસ્પિટલ ખાતે કુલ 55 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસને પહોંચી વળવા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.