October 11, 2024

વેરાવળની જનતા માથે તોળાતો રોગચાળાનો ખતરો

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથના વડામથક વેરાવળ શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ઓછર્યા નથી અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા. ત્યારે વહેલી તકે પાણી નિકાલ વ્યવસ્થા કરવામાં આવે નહિ તો સમગ્ર શહેરમાં રોગચાળો ફટવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

જિલ્લા મુખ્ય મથક વેરાવળ શહેરમાં વરસાદે વિરામ લીધાને આજે ત્રણ દિવસ થવા છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળે છે અને શહેરીજનોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં વેરાવળ શહેરના ગીતાનગરથી રેલવે સ્ટેશન રોડ, ગીતાનગર, હરસિધ્ધિ સોસાયટી, ગીતાનગર 2, હાઉસિંગ સોસાયટી સહિતના વિસ્તારોમા આજે પણ પાણી ભરાયેલું છે. વરસાદના વિરામ બાદ પાણી ભર્યું રહેતા સ્થાનિકો લોકો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે અને ન છૂટકે વરસાદી ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.

વરસાદે વિરામ લીધાના એટલા દિવસો પછી પણ વેરાવળની અનેક સોસાયટી અને વિસ્તારો એવા છે જયાં પાણીનો નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. જેના કારણે સતત પાણી ભરાયેલું રહે છે. સ્થાનિકોનું કહેવું છે બાળકોને શાળાએ મૂકવા જવા પણ મુશ્કેલ બન્યું છે. એટલુંજ નહિ અહીં રોગચાળાનો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે હાલમા જ પાણી ભરાવાની સમસ્યાને લઈ સ્થાનિક નેતા ગાંધીનગર ખાતે જઈને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ ભાવનગરથી કમિશનર વેરાવળ દોડી આવ્યા હતા. જોકે સવાલ એ છે કે પાણી પહેલાં પાળ બાંધવાના બદલે વેરાવળ પાલિકા અને તંત્ર હવે દોડમદોડ કરી રહ્યું છે.