November 23, 2024

હસ્તકળા અને રાખડીઓથી પરિવારનું ગુજરાન ચલાવે છે બનાસકાંઠાની મૂકબધિર મહિલા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: મક્કમ મનોબળ અને દ્રઢ આત્મ વિશ્વાસ આગળ શારીરિક ક્ષતી પણ ઘૂંટણીયે પડે છે. આ વાક્ય સાર્થક થયું છે બનાસકાંઠા જિલ્લામાં. બનાસકાંઠાની એક એવી મહિલા કે જે મહિલાના પરિવારમાં તેમના પુત્ર સિવાય ન તો કોઈ બોલી શકે છે કે ન સાંભળી અને તેને જ કારણે મહિલાના પરિવારમાં કોઈ આર્થિક ઉપજ ઊભી કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી આ મહિલાનો પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી આર્થિક સંકડામણનો ભોગ બન્યો હતો. પરંતુ આ મુકબંધિર મહિલામાં તેના પરિવાર માટે કંઈક કરી મિટવાની ભાવના અને તેની નિર્ણય શક્તિને કારણે આજે આ મુકબધિર મહિલા જ તેના પરિવાર માટે આર્થિક ઉપજનો સ્ત્રોત બની છે.

હસ્ત કલાની ચીજ વસ્તુઓ તૈયાર કરતી મહિલાને જોઈ રહ્યા છો તે મહિલા કોઈ સામાન્ય મહિલા નથી પરંતુ આ મહિલા મૂકબધીર મહિલા છે. જે ન તો બોલી શકે છે કે ન સાંભળી શકે છે જો કે આ મહિલા જ નહીં પરંતુ તેના પરિવારમાં તેમના પતિ અને તેમના એક દીકરી પણ આ જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ મહિલા છે પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હેતલબેન મોઢ. હેતલબેન 41 વર્ષની વયના છે જોકે તેમના પરિવારમાં તેમના પતિ અને એક દીકરી પણ જન્મથી બોલી કે સાંભળી શકતા નથી જો કે તેમના પતિ ભરતભાઈ મોઢ વર્ષો પહેલા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.

જોકે તે વચ્ચે જ એક અકસ્માત થયો અને ભરતભાઈ ને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો. અને ત્યાંથી જ હેતલબેન નો પરિવાર પર આવી પડ્યું આર્થિક સંકટ. જોકે આવી પરિસ્થિતિમાં પણ મુકબંધિર હેતલબેન હિંમત ન હાર્યા અને અને પરિવારની જવાબદારી પોતાના સીરે ઉપાડી લીધી. અને તે બાદ પાલનપુરની જ એક સંસ્થા પાસેથી પોતે હસ્ત કલાની તાલીમ મેળવવાની શરૂઆત કરી અને આ સંસ્થા પાસેથી હસ્ત કલાની તાલીમ મેળવી અનેક ચીજ વસ્તુઓ તૈયાર કરવાની આવડત મેળવી લીધી અને તેઓએ હસ્ત કલાને જ પોતાના પરિવારનો આર્થિક સ્ત્રોત બનાવી અલગ અલગ હસ્તકલાની ચીજ વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી તેમાંથી આર્થિક ઉપજ ઊભી કરતા થયા છે.

 

હેતલબેનના પરિવારની આર્થિક સ્થિતિ કથળતા હેતલબેને પોતાના સીરે પરિવારની જવાબદારી ઉઠાવી અને જીવનમાં મહેનત કરવાનો નિર્ધાર કર્યો અને પાલનપુરની વાત્સલ્ય સેવા ટ્રસ્ટ પાસેથી હસ્ત કલાની તાલીમ મેળવી અને છેલ્લા બે વર્ષથી હેતલબેન હસ્તકલામાં માહિર બની ગયા અને તેઓ દરેક તહેવારમાં અલગ અલગ ચીજ વસ્તુઓ પોતાના હાથેથી તૈયાર કરી તેનું વેચાણ કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. જો કે તાજેતરમાં જ હિન્દુ ધર્મનો ભાઈ બહેન નો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન આવી રહ્યો છે અને આ રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી હેતલબેને હસ્તકલાની ડિઝાઇન વાળી ડાયમંડ,મોતી,રુદ્રાક્ષ અને કાર્ટૂન વાળી અલગ અલગ રાખડીઓ સહિત ગિફ્ટ પેકિંગ જેવી 200 થી 300 પ્રકારની મનમોહક રાખડીયો તૈયાર કરી છે. અને રૂપિયા 10થી લઈ રૂપિયા 50 સુધીની અલગ અલગ રાખડીઓ હેતલબેન ઓનલાઇન ઓર્ડરથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છે તો સાથે જ અલગ અલગ એક્ઝિબિશનમાં પહોંચી પોતાની આ રાખડીઓનું વેચાણ કરી રહ્યા છે. જોકે હેતલબેનને એક્ઝિબિશનમાં રાખડી વેચતા જોઈ અન્ય મહિલાઓ પણ હસ્ત કલાના વ્યવસાય સાથે પ્રેરાઈ અને હસ્તકલાના વ્યવસાયમાં સંકળાવાતવા અને આત્મ નિર્ભર બનવા હસ્તકલાની તાલીમ લેતી થઈ છે