ગુજરાતના આ ગામમાં એક દિવસ અગાઉ ઉજવાય જાય છે રક્ષાબંધન, જાણો કેમ
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: સામાન્ય રીતે રક્ષાબંધનનો તહેવાર દેશવાસીઓ શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવતા હોય છે. પરંતુ બનાસકાંઠાનું એક એવું ગામ છે કે જ્યાં રક્ષાબંધન શ્રાવણ સુદ ચૌદસને દિવસે ઉજવાય છે. ગુજરાતનું આ ગામ એવું છે જ્યાં દેશ કરતાં એક દિવસ પહેલા રક્ષાબંધન ઉજવાય છે.
સામાન્ય રીતે શાળા, કોલેજોમાં તહેવારની એક દિવસ અગાઉ ઉજવણી થતી જોય છે પરંતુ બનાસકાંઠાના ચડોતર ગામે રક્ષાબંધનના એક દિવસ અગાઉ જ ઉજવાય જાય છે. રક્ષાબંધન તો આવતીકાલે એટલે કે શ્રાવણ સુદ પૂનમના દિવસે જ છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના આ ચડોતર ગામે છેલ્લા 203 વર્ષ જૂની પરંપરા છે કે જ્યાં શ્રાવણ સુદ ચૌદશને દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ગામના હિન્દુ ધર્મના તમામે તમામ જ્ઞાતિના લોકો શ્રાવણ સુદ ચૌદશને દિવસે જ રક્ષાબંધનની ઉજવણી કરે છે.
ચડોતર ગામની લોકવાયકા મુજબ આજથી 203 વર્ષ અગાઉ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. અને ગામના તમામ ઢોર ઢાંખરોને રોગચાળામાં સપડાઇ ગયાં હતાં. જેને કારણે ગ્રામજનોને પશુઓ તેમજ જાનમાલનું નુકસાન થયું હતું. ત્યારે આ દહેશતને પગલે સમગ્ર ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં. જોકે તે સમયે આ મહામારીમાંથી બચવા ગ્રામજનો એકત્ર થઇ વિદ્વાન બ્રાહ્મણ પાસે ગયા અને તે બ્રાહ્મણે ગ્રામજનોને સમગ્ર ગામમાંથી દૂધ એકઠું કરી ગામના ખૂણે ખૂણે છંટકાવ કરવાનું કહ્યું હતું અને ગ્રામજનોએ તે મુજબ કરતા સમગ્ર ગામમાંથી મહામારી મુક્ત થઇ ગઈ હતી.
જોકે તે બાદ આ વિદ્વાનએ ગ્રામજનોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ પૂનમ નહીં પરંતુ શ્રાવણ સુદ ચૌદશને દિવસે ઉજવવાનું કહ્યું અને ત્યારથી જ આ ગામના લોકો રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશને દિવસે કરવા લાગ્યા અને ત્યારથી જ આ પરંપરા ગામમાં ચાલી આવી રહી છે. આજના આધુનિક યુગમાં પણ ગ્રામજનોએ આ પરંપરા જાળવી રાખી છે. જેને લઈ આજે શ્રાવણ સુદ ચૌદસને દિવસે સમગ્ર ચડોતર ગામ રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યું છે.
સમગ્ર દેશમાં આવતીકાલે ભાઈ બહેનના અતૂટ બંધનનો તહેવાર ગણાતા રક્ષાબંધનની ઉજવણી થશે. પરંતુ બનાસકાંઠાના ચડોતર ગામની બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે આજે રક્ષાબંધનની ઉજવણી કરી રહી છે.