January 3, 2025

ભૂતિયા શિક્ષકોને છાવરવા હવે સરકાર પણ મેદાને, શિક્ષણની સિદ્ધિઓ જાહેર કરી!

ગાંધીનગરઃ એકબાજુ રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટી નીકળ્યો છે. સરકારના શિક્ષણ વિભાગની જાહેરમાં ઘોર બેદરકારી ખુલ્લી પડી ગઈ છે. હવે આ સમગ્ર મામલે ભીનું સંકેલવા માટે સરકાર મથામણ કરી રહી છે. રાજ્ય સરકારે આ મુદ્દો દબાવવા માટે સરકારી શાળાઓએ શિક્ષણમાં મેળવેલી સિદ્ધિઓ જાહેર કરી છે.

રાજ્યના શિક્ષકો અધિકારી અને શિક્ષણ વિભાગની લાપરવાહી સામે આવ્યા બાદ સિદ્ધિઓ જાહેર કરી છે. રાજ્યમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ઘોરણ 12 સુધી ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. 2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. બનાસકાંઠામાં 10 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

ખેડામાં શિક્ષકને બચાવવા તંત્રના હવાતિયાં
ખેડાના કપડવંજમાં તપાસ નામે અધિકારીઓનું નાટક સામે આવ્યું છે. ભૂતિયા શિક્ષકોને છાવરવામાં અધિકારીઓ મહેનત કરવા લાગ્યા છે. વાંટા શિવપુરા પ્રાથમિક શાળાનો અહેવાલ બતાવ્યો હતો. તેમાં મુખ્ય શિક્ષકના સ્થાને ડમી શિક્ષક હોવાનો પર્દાફાશ થયો હતો. મુખ્ય શિક્ષક સામે કાર્યવાહી કરવાના બદલે તંત્ર ભીનું સંકેલવાના મૂડમાં જોવા મળી રહ્યું છે.