સુરતના કુખ્યાત વ્યાજખોર લાલીની ઓફિસ પર સર્ચ ઓપરેશન, અગત્યનાં ડોક્યુમેન્ટ્સ મળ્યાં
અમિત રુપાપરા, સુરતઃ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ઉધના પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા ઉર્ફે લાલી સામે બે ગુના દાખલ થયા છે. આ બે ગુના પૈકી એક ગુનામાં ધર્મેન્દ્ર લાલીની ધરપકડ કરવામાં આવી છે. લાલીની ધરપકડ બાદ પોલીસ દ્વારા તેની ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસને સર્ચ દરમિયાન કેટલાક અગત્યના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે તેની તપાસ આગામી દિવસોમાં કરવામાં આવશે.
સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસને ડામમાં માટે સુરત શહેર પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ઉધનાના કુખ્યાત વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા ઉર્ફે લાલી સામે એક ગુનો દાખલ થયો હતો. લાલી આગોતરા જમીન લઈ પોલીસ સમક્ષ હાજર થયો હતો. તો બીજી તરફ પોલીસ દ્વારા લોકોને લાલીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા લોકોને ફરિયાદ કરવા માટે પોલીસ સમક્ષ આવવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારે ઉધના પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા લાલીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 10 બાળકોનાં મોત
ઉધના પોલીસ દ્વારા વ્યાજખોર લાલીની ઓફિસ પર સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો અગાઉ પોલીસની તપાસમાં લાલીની ઓફિસ પરથી 75 ચેક અને ચેકબુક મળી આવી હતી. તો બીજી તરફ પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, જે પણ વ્યક્તિએ વ્યાજખોર લાલી પાસેથી વ્યાજે પૈસા લીધા હોય અને લાલી દ્વારા તેમના પર જો ત્રાસ ગુજરાતો હોય તો આવા લોકો ફરિયાદ કરવા પોલીસ સમક્ષ આવે.
રિમાન્ડ મેળવ્યા બાદ વધુ તપાસ માટે પોલીસ દ્વારા લાલીને સાથે રાખીને તેની ઓફિસ પર સર્ચ કરવામાં આવ્યું હતું અને ઓફિસના ગેટનું તાળું તોડીને ઓફિસમાં ચર્ચાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહત્વની વાત છે કે, આ સર્ચ દરમિયાન કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ પોલીસના હાથે લાગ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે અને આ ડોક્યુમેન્ટના આધારે લાલીના આતંકને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, મેઘરાજા ભૂક્કા બોલાવશે
પોલીસ દ્વારા લાલીની ઓફિસમાં સર્ચ દરમિયાન ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે, તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ લાલીની મિલકત બાબતે સરકારની જે તે એજન્સીઓને સાથે રાખીને પણ આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. વ્યાજખોર લાલી ઉર્ફે ધર્મેન્દ્ર સામે કાયદાકીય સકંજો કસવામાં આવશે. મહત્વની વાત છે કે, લાલી ઉર્ફે ધર્મેન્દ્ર હંજરાએ લોકો પાસેથી નિયમ વિરુદ્ધ જઈને ઊંચા વ્યાજે લોકો પાસેથી 10થી 15 ટકાના વ્યાજની વસૂલાત કરી છે.
ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ધર્મેન્દ્ર ઉર્ફે લાલી દ્વારા બે લાખની સામે ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ ઉપરાંત વધુ ત્રણ લાખની માગણી કરવામાં આવી હતી. તો ફરિયાદીએ 3 લાખ ન આપતા 15 લાખ રૂપિયાની રકમ ચેક પર લખીને એક બાઉન્સ કરાવવાની ધમકી પણ આપવામાં આવી હતી.