BCCI બાદ વિદેશ મંત્રાલયે PCBને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું-ટીમ પાકિસ્તાન નહીં જાય
Champions Trophy 2025: ભારતીય વિદેશ મંત્રાલયે પણ હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન નહીં જાય. વિદેશ મંત્રાલયે તેની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જનારી ભારતીય ક્રિકેટ ટીમ અંગે BCCIના વલણને પુનરોચ્ચાર કર્યો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, બીસીસીઆઈએ એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહ્યું છે કે ત્યાં સુરક્ષાની ચિંતા છે અને તેથી ટીમ ત્યાં જાય તેવી શક્યતા નથી. પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી બહુપ્રતિક્ષિત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર અનિશ્ચિતતાના વાદળો છે. ICCએ 29 નવેમ્બરે સભ્ય દેશોની બેઠક બોલાવી છે. આ દિવસે ટુર્નામેન્ટનું ભાવિ નક્કી થશે.
બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને કારણે ભારતે 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. છેલ્લી વખત એશિયા કપ માટે ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. બંને કટ્ટર હરીફોએ છેલ્લે 2012-13માં દ્વિપક્ષીય શ્રેણી રમી હતી જેમાં મર્યાદિત ઓવરોની મેચો રમાઈ હતી. ત્યારથી, ભારત અને પાકિસ્તાન મુખ્યત્વે માત્ર ICC ટૂર્નામેન્ટ્સ અથવા એશિયા કપમાં એકબીજાનો સામનો કરે છે.