September 28, 2024

જતાંજતાં મેઘરાજાની જમાવટ, ગિરનાર પર્વત પર 3 ઇંચ વરસાદ: ભવનાથમાં આવ્યું પૂર

જુનાગઢ: એક તરફ જ્યાં ગુજરાતીઓ નવરાત્રિની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તો ચોમાસાના અંતિમ દિવસોમાં જતાંજતાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. છેલ્લા 3 દિવસથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે. તેમાં પણ આજે જુનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગાં જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આજે એક જ દિવસમાં જુનાગઢમાં ધોધમાર વરસાદ થયો છે. તેમાં પણ એકલા ગિરનાર પર્વત પર 3 ઇંચ જેટલો વરસાદ થતાં ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આટલા ધોધમાર વરસાદને કારણે ભવનાથમાં ભારે પૂરની સ્થિતિ ઊભી થઈ છે.

ભવનાથના રસ્તા ઉપર ધસમસતી નદીઓ જેવા પાણી વહેતા જોવા મળ્યા હતા. તો, 15થી વધારે બાઇક સહીત અને કાર અને વાહનો પણ પાણીમાં તણાયા હતા.

જૂનાગઢ જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. સવારે છુટાછવાયા હળવા વરસાદ બાદ બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સમગ્ર જીલ્લામાં સાર્વત્રિક અડધાથી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

તો, સૌથી વધુ ગિરનાર પર્વત પર 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સાંજે 4 વાગ્યા સુધીમાં જીલ્લામાં વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો, જૂનાગઢ – 1.08 ઈંચ વરસાદ, માણાવદરમાં 1.52 ઈંચ, વંથલીમાં 21 મીમી, ભેંસાણમાં 1.16 ઈંચ વરસાદ, વિસાવદરમાં 14 મીમી, મેંદરડામાં 13 મીમી, કેશોદમાં 4 મીમી, માંગરોળમાં 5 મીમી અને માળીયામાં 7 મીમી વરસાદ નોંધાયો છે. તો ચાલુ સિઝનમાં જીલ્લામાં અત્યાર સુધીનો 65 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.