September 27, 2024

ઘરેલુ હિંસા સામે સુરક્ષાનો કાયદો દરેક ધર્મની મહિલાને લાગુ પડે છે: સુપ્રીમ કોર્ટ

Supreme Court on Domestic Violence: સુપ્રીમ કોર્ટે ઘરેલુ હિંસા અધિનિયમ (ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ) પર ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું કે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 દરેક મહિલાને લાગુ પડે છે. પછી તે કોઈ ધર્મ કે જ્ઞાતિની કેમ ન હોય. જસ્ટિસ બીવી નાગરથના અને એન કોટીશ્વરની ખંડપીઠે કહ્યું કે 2005માં બનેલો કાયદો દરેક મહિલાના અધિકારોનું રક્ષણ કરે છે.

સુપ્રીમ કોર્ટે ભરણપોષણ અને વળતર આપવા સંબંધિત મામલામાં કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકારતી એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલ અપીલ પર આ ચુકાદો આપ્યો હતો. મહિલાએ અધિનિયમની કલમ 12 હેઠળ અરજી કરી હતી. આ પહેલા એક મેજિસ્ટ્રેટે ફેબ્રુઆરી 2015માં મહિલાને 12,000 રૂપિયા માસિક અને 1 લાખ રૂપિયા વળતર આપવાનો તેના પતિને આદેશ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલાના પતિએ 2015ના આદેશ સામે અપીલ દાખલ કરી હતી. મહિલાના પતિએ મેજિસ્ટ્રેટને એક્ટની કલમ 25 હેઠળ આદેશ બદલવાની અપીલ કરી હતી, પરંતુ અપીલ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ, મહિલાના પતિએ અપીલ કોર્ટ સમક્ષ પોતાની માંગ રજૂ કરી હતી. જેને અપીલ કોર્ટે સ્વીકારીને બંને પક્ષોને પોતાના પુરાવા લાવવા અને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.

ત્યારબાદ, મહિલાએ હાઇકોર્ટનું શરણું લીધું હતું. હાઇકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને મેજિસ્ટ્રેટને પતિ તરફથી કરવામાં આવેલ અરજી પર વિચાર કરવા નિર્દેશ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્પષ્ટ છે કે પીડિત વ્યક્તિ એક્ટની જોગવાઈઓ હેઠળ આપવામાં આવેલા આદેશમાં ફેરફાર, સંશોધન અથવા રદ કરવાની માંગ કરી શકે છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે સંજોગોમાં ફેરફાર થયો હોય. આ કેસમાં મેજિસ્ટ્રેટ ફક્ત ત્યારે જ રદ અથવા ફેરફારનો આદેશ આપી શકે છે જ્યારે તે માનતા હોય કે સંજોગોમાં ફેરફાર થયો છે અને ઓર્ડરમાં ફેરફારની જરૂર છે.