September 20, 2024

6 કરોડ તો ફાળવી દીધા, પરંતુ ક્યારે બનશે ઉપલેટાના ગઢાળા ગામનો કોઝવે?

રાજકોટ: ઉપલેટાના ગઢાળા ગામમાં ભારે વરસાદને કારણે મોજ ડેમ ઓવરફ્લો થવાને કારણે 20 જેટલા દરવાજા ખોલવામાં આવતા પાણી મોજ નદીમાં આવતા ગઢાળા ગામ પાસે આવેલ કોઝવેમાં મસમોટા ગાબડાં પડતા સ્થાનિકોમાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

ઉપલેટા તાલુકાના ગઢાળા ગામમા આવેલ મોજ નદી ઉપરનો કોઝવે છેલ્લા 7 વરસથી ચોમાસામાં મોજ ડેમ ઓવરફ્લો થાય ત્યારે ડેમના દરવાજા ખોલતા તરત ગઢાળા ગામનો મુખ્ય રસ્તો આવેલ હોવાથી કોઝવેમાં મસમોટા ગાબડાં પડી જાય છે. ગઢાળા ગામ લોકોને આ ગાબડાં પડવાને કારણે ભારે તકલીફનો સામનો કરવો પડે છે. ઉપલેટાથી ગઢાળા આવતા જતા લોકોને વાહનચાલકોને ગામમાં જવા માટે કેરાળા, સેવત્રા થઈ 12 કિલોમીટર ફરીને જવુ પડે છે. સવારે બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે છે. રીક્ષા ગામમા આવતી નથી. મહિલાઓને ગામની બહાર જવુ હોઈ તો ગાબડાં ઉપરથી જીવના જોખમે પુલ પસાર કરવો પડે છે. કોઝવેમાં પડેલા ખાડાઓને કારણે અકસ્માત સર્જાવાનો ડર રહેલો છે. પરંતુ તંત્ર દ્વારા છેલ્લા સાત વરસથી ફક્ત ગાબડાં પુરીને સતોષ માનવામાં આવે છે.

ગઢાળા ગામની વિદ્યાર્થીનીઓએ જણાવેલ કે અમારે સ્કૂલે જવામાં ભારે તકલીફ પડી રહી છે. અમે આવા ગાબડાંમાં ચાલી તો અમારો યુનિફોર્મ બંગડી જાય છે. અમને તાત્કાલિક આ કોઝવે નવો બનાવી આપે. તો, ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહીરના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી મોજ ડેમ ઓવરફ્લો થાય ત્યારે પાટિયા ખોલે તરત પાણી આ કોઝવે ઉપર ફરી વળે છે અને મસમોટા ગાબડાં પડી જાય છે અને પારાવાર નુકસાન થાય છે. ત્યારે છેલ્લા 2 વર્ષથી આ કોઝવે મંજુર થઈ ગયો છે અને 6 કરોડના ખર્ચ મજુર થયો હોવા છતાં હજુ સુધી નવો કોઝવે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. ગઢાળા ગામનો કોઝવે તાત્કાલિક ઉંચો બનાવી આપવા સ્થાનિક ગ્રામજનોએ માગ કરી છે.