March 18, 2025

મેક્સિકોમાં રોડ અકસ્માતમાં 41 લોકોના મોત, ટ્રક સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી

Mexico: મેક્સિકોમાં એક મોટી દુર્ઘટના બની છે. દક્ષિણ રાજ્ય ટાબાસ્કોમાં શનિવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં 41 લોકોનાં મોત થયાં. બસ અને ટ્રક એકબીજા સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. મેક્સિકન સરકારના જણાવ્યા અનુસાર, બસમાં સવાર 48 લોકોમાંથી 38 મુસાફરો અને બંને ડ્રાઇવરોના મોત થયા હતા. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું પણ મોત થયું હતું. ટક્કર પછી તરત જ બસમાં આગ લાગી ગઈ અને લોકોને બચવાનો મોકો મળ્યો નહીં. આગને કારણે બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે બસનું ફક્ત લોખંડનું માળખું જ બાકી છે.

એક અહેવાલ મુજબ, સુરક્ષા એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ફક્ત 18 લોકોની ઓળખ થઈ છે. પરંતુ ઘણા મૃતદેહો હજુ પણ ગુમ છે. બચાવ કામગીરી ચાલુ છે. બસ ઓપરેટર કંપની ટુર્સ એકોસ્ટાએ ફેસબુક પર એક પોસ્ટ લખી. આમાં તેમણે કહ્યું કે તેઓ આ અકસ્માતથી ખૂબ જ દુઃખી છે. કંપનીએ એમ પણ કહ્યું કે તે અધિકારીઓ સાથે મળીને એ જાણવા માટે કામ કરી રહી છે કે અકસ્માત કેવી રીતે થયો અને બસ ગતિ મર્યાદામાં ચાલી રહી હતી કે નહીં.

આ પણ વાંચો: BJP પ્રતિનિધિમંડળ LGને મળ્યું; અમિત શાહના નિવાસસ્થાને નેતાઓની બેઠક યોજાઈ

આ પહેલા મેક્સિકોમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 19 લોકોના મોત થયા હતા. બસ જે ટ્રક સાથે અથડાઈ હતી તે મકાઈ લઈ જતી હતી. ઝાકાટેકાસમાં હાઇવે પર 25 મુસાફરોને લઈ જતી એક બસ ક્રેશ થઈ ગઈ અને ખાડામાં પડી ગઈ. 2020 થી મેક્સિકોમાં ટ્રાફિક અકસ્માતોમાં વધારો થયો છે.