October 13, 2024

ગુજરાત પોલીસના 18 અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાયા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 18 પોલીસ અધિકારીઓને તેમની વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરી છે. ગુજરાત કેડરના પ્રતિનિયુક્તિ પર કામ કરતા બે આઈપીએસ અધિકારીઓને પણ પોલીસ મેડલ આપવમાં આવશે. પ્રજાસત્તાક દિવસે ગુજરાત પોલીસના 18 પોલીસ અધિકારીઓ અને જવાનોને વિશિષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવામાં આવશે. જેમાં 02 વિશિષ્ટ સેવા પોલીસ મેડલ અને 16 પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલોનો સમાવેશ થાય છે. બે પોલીસ અધિકારીઓ તેમની પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભરૂચ પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા નડિયાદ SRPF ગ્રુપ 7ના નાયબ અધિક્ષક શશિભૂષણ કે શાહ અને ભરૂચના ASI પ્રદીપ મોધેને આપવમાં આવશે.


ત્રણ આઈપીએસને પોલીસ મેડલ
આ ઉપરાંત ત્રણ આઈપીએસ અધિકારીઓ સહિત 16 પોલીસકર્મીઓને તેમની પ્રશંસનીય સેવા બદલ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં IPS પ્રેમવીર સિંહ, IPS રાઘવેન્દ્ર વત્સ, નરેન્દ્ર નગીન ચૌધરી, ભગિરથસિંહ વનરાજસિંહ ગોહિલ, કિરીટકુમાર શંકરલાલ ચૌધરી, ભમરાજી ખિમાજી જાટ, દિલીપસિંહ બાબરસિંહ ઠાકોર, અલ્તાફખાન કરીમખાન પઠાણ સહિતના 16 રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

વિકાસ સહાએ અભિનંદન પાઠવ્યા
આ તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોની રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે પસંદગી થતાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાએ અભિનંદન પાઠવ્યા છે. અમદાવાદ શહેરમાં કાર્યરત પીએસઆઈ દિલીપ બી ઠાકોર, પીએસઆઈ અલ્તાફખાન કે પઠાણ, ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર સ્ટેટ કંટ્રોલ રૂમમાં કાર્યરત પીએસઆઈ કે ઇ ચાવડા, વડોદરા શહેરમાં કાર્યરત પીએસઆઈ શૈલેષકુમાર પટેલ, એસઆરપીએફ મેટ્રો રેલ સુરક્ષા અમદાવાદના પીએસઆઈ યોગેન્દ્રસિંહ રાઠોડને પોલીસ મેડલ આપવાની જાહેરાત કરી છે. બીજી બાજુ સુરત શહેરના એએસઆઈ શૈલેષ દુબે, જલુ એમ દેસાઈ, જયેશભાઈ એન પટેલ, પંચમહાલ એસપી ઓફિસના એએસઆઈ અભેસિંહ રાઠવા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસના હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ડોડિયાને પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત કેડરના IPS ભગતને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ
ગુજરાત કેડરના IPS અધિકારી હાલમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ(SPG)ના IG રાજીવ રંજન ભગતને તેમની પ્રશંસનિય સેવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માન કરવામાં આવશે. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી (હાલ બીએસએફમાં ડીઆઈજી તરીકે કાર્યરત) મનિન્દર સિંહ પવારને પોલીસ મેડલ આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ તરફથી ત્રણને પોલીસ મેડલ
ગુજરાત હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં કાર્યરત ત્રણ અધિકારીઓને પોલીસ મેડલ આપવામાં આવશે. જેમાં સુબેદાર કંપની કમાન્ડર પી.ઝેડ.જાડેજા, વી.ડી.ઓઝા અને ડી.એન.જાડેજાને મેડલથી સન્માનિત કરવામાં આવશે.